
ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓને મોટી રાહત. 6 મહિનામાં મુદ્દલ ભરનારને 2% દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ, 9,000થી વધુ પરિવારોને લાભ.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા હજારો પરિવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાથી જોડાયેલા લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક સંવેદનાસ્પર્શી અને જનહિતલક્ષી નિર્ણય લીધો છે, જેના કારણે વર્ષોથી દંડનીય વ્યાજના બોજ હેઠળ દબાયેલા પરિવારોને મોટી રાહત મળશે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આવાસ યોજનાના એવા લાભાર્થીઓ, જેઓ બાકી રહેલી મુદ્દલ રકમ સંપૂર્ણ ભરવા તૈયાર છે પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ચૂકવવામાં અસમર્થ છે, તેમની રજૂઆતોને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી હતી. આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે કે જો આવા લાભાર્થીઓ છ મહિનાની અંદર તેમની બાકી રહેલી સંપૂર્ણ મુદ્દલ રકમ ભરપાઈ કરે, તો તેમને ‘વન ટાઇમ સેટલમેન્ટ’ હેઠળ બે ટકા દંડનીય વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે.
ગ્રામીણ આવાસ યોજના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.
આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યના અંદાજે 9,029 જેટલા ગ્રામ્ય કુટુંબોને સીધો લાભ થવાનો છે. દંડનીય વ્યાજરૂપે વસૂલ થનારી અંદાજે 154 કરોડ રૂપિયાની મોટી રકમમાંથી આ પરિવારોને રાહત મળશે, જે તેમના આર્થિક જીવનમાં નોંધપાત્ર હળવાશ લાવશે. સાથે સાથે, બાકી રકમ ભરપાઈ થતા જ આ પરિવારોએ પોતાના નામે મકાનના માલિકી હક્ક મેળવશે અને તેઓ સાચા અર્થમાં પોતીકા મકાન ધારક બની શકશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક જરૂરતમંદ નાગરિકને પોતાનું મકાન મળે તે માટે વ્યક્ત કરેલા સંકલ્પને રાજ્ય સ્તરે સાકાર કરતો આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી પગલાથી ગ્રામ્ય ગુજરાતના હજારો કુટુંબો માટે પોતીકી છતનો સપનો હકીકતમાં બદલાવાની આશા મજબૂત બની છે.